કોરોનાના ક્રિટિકલ દર્દીઓની સારવાર માટે ગુજરાતમાં જે થેરાપીની શરૂઆત થઈ એ પ્લાઝમા થેરાપી શું છે ?
(લાંબી અને જટિલ પ્રક્રિયાની અત્યંત ટૂંકમાં અને સરળ ભાષામાં સમજૂતી)
જ્યારે કોઈપણ વાઇરસ માણસના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે લોહીમાં રહેલા ‘મેક્રોફેઈઝ’ આ અજાણ્યા દુશ્મનને પકડે છે અને પોતાની અંદર લઈ જઈને તેના ટુકડે ટુકડા કરી નાંખે છે. ત્યારબાદ ‘મેક્રોફેઈઝ’ આ ટુકડાઓને પોતાની સપાટી પર લાવીને શરીરના અન્ય કોષોને સાવચેત કરે છે કે આ પ્રકારનો કોઈ અજાણ્યો દુશ્મન શરીરમાં પ્રવેશ્યો છે તમે સાવચેત રહેજો.
શરીરમાં રહેલા ‘ટી સેલ’ વાઇરસના આ ટુકડાને લઈને ‘બી સેલ’ પાસે પહોંચે છે અને આ નવા દુશ્મન સામે લડાઈ કરવા જરૂરી સૈનિકો(વાઇરસને મારી શકે એવા સેલ) પુરા પાડવા માટે જણાવે છે. ‘બી સેલ’ શરીરમાં પ્રવેશેલા નવા વાઇરસની સામે લડી શકે તેવા સેલ તૈયાર કરે છે જેને ‘એન્ટી બોડીઝ’ કહેવાય છે.
‘એન્ટી બોડીઝ’ વાઇરસ સામે બરોબરની લડત આપે છે અને એને ખતમ કરીને શરીરને વાઇરસ મુક્ત કરે છે. ‘બી સેલ’ જે ‘એન્ટી બોડીઝ’ તૈયાર કરે છે એમાં ‘મેમરી સેલ’ પણ હોય છે. મેમરી સેલ વાઇરસ સામે લડાઈ કરવા નથી જતા પણ વાઇરસનો બરોબર અભ્યાસ કરી એની તમામ વિગતો યાદ રાખી લે છે. ‘મેમરી સેલ’ વર્ષો સુધી જીવિત રહે છે અને ભવિષ્યમાં એ જ વાઇરસ પાછો આવે તો ‘મેમરી સેલ’ પાસે એ વાઇરસનો બધો જ ડેટા સાચવાયેલો હોવાથી વાઇરસનો સામનો કરનારા ‘એન્ટી બોડીઝ’ બહુ ઝડપથી તૈયાર થાય છે અને વાઇરસનો ખાત્મો બોલાવી દે છે.
જે વ્યક્તિને કોરોના થયો હોય અને એ સાજો થયો હોય એના લોહીમાં કોરોના વાઇરસની સામે લડાઈ કરીને જીતેલા ‘એન્ટી બોડીઝ’ હોય છે. જો આવા વ્યક્તિનું લોહી લઈને કોરોનાના દર્દીને ચડાવવામાં આવે તો જેનું લોહી લીધું છે તેના લોહીમાં રહેલા ‘એન્ટી બોડીઝ’ જેને લોહી ચડાવ્યું છે એના શરીરમાં રહેલા વાઇરસને મારવા માટે મદદ કરે અને દર્દી ઝડપથી સાજો થાય.
સીધું જ લોહી ચડાવવામાં બ્લડ ગ્રૂપ મેચ થવાના પ્રશ્નો થાય એટલે કોરોનાથી સાજા થયેલા વ્યક્તિનું લોહી લઈને તેમાંથી રક્તકણો જુદા પાડે દેતા છેલ્લે પીળા રંગનું ઘટ્ટ પ્રવાહી વધે છે જેને પ્લાઝમા કહેવાય છે.
આ પ્લાઝમામાં કોરોના સામે ફાઈટ કરીને વિજેતા થયેલા ‘એન્ટી બોડીઝ’ હોય છે જે કોરોનાના એવા દર્દી કે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે એને વાઇરસનો સામનો કરવામાં મદદ કરે છે.
પ્લાઝમા થેરાપીનો કેરળમાં પ્રયોગ કરવામાં આવ્યો છે અને તેના હકારાત્મક પરિણામો પણ જોવા મળ્યા છે. ‘પ્લાઝમા થેરાપી’ની સૌથી મોટી મર્યાદા એ છે કે પ્લાઝમા માટે કોરોનાથી સાજા થયેલા લોકો જોઈએ અને એ પાછા રક્તદાન કરવા તૈયાર થવા જોઈએ. જે વ્યક્તિ કોરોનાથી સાજો થયો હોય તે ઓછામાં ઓછા 14 દિવસ પછી જ રક્તદાન કરી શકે એટલે સમય પણ ઘણો જાય.
આમ છતાં પ્લાઝમા થેરાપી લોકોના જીવ બચાવવામાં ટેકો તો કરે જ છે એટલે જ્યાં સુધી કોરોનાની કોઈ વેકસીન ન શોધાય ત્યાં સુધી પ્લાઝમા થેરાપી નબળી રોગપ્રતિકારક શક્તિ વાળા દર્દીઓ માટે થોડી મદદગાર જરૂરથી બની શકે.