નીરો – શિયાળાનું સ્વાસ્થયવર્ધક પીણું પીવાથી થાય છે ગજબના ફાયદા , આ ફાયદા વિષે જાણવું જરૂરી

0
864

નીરો – શિયાળાનું સ્વાસ્થયવર્ધક પીણું

સંસ્કૃત શબ્દ नीर પરથી નીરો શબ્દ આવ્યો હશે, નીર એટલે સત્ત્વસ્વરૂપ નીચાણ તરફ વહેતું દ્રવ-પ્રવાહી.નીરો પણ ખજૂરી કે નર-તાડવૃક્ષના ફુલગુચ્છની ડાળીમાંથી ટપકતું, એ વૃક્ષોનું પરમ સત્ત્વ-તેજ કે સારભાગ પ્રવાહી છે. પામ જાતીના વૃક્ષો જમીન માંથી પાણી ખેંચીને છેક ટોચે લાગેલા એના ફળમાં સિંચે છે. જેમકે, નારીયેળી ; નારિયેળીમાંથી પણ નીરો મળી શકે છે પણ મોટાભાગે ખજુરી જેનું વૈજ્ઞાનિક નામ Phoenix Sylvestris અને પ્રચલીત વિદેશીનામ DatePalm છે, એના વૃક્ષની ટોચે થડમાં ઘા કરીને ત્યાં હાંડી બાંધી દેતાં એમાં રાતભર ટપકી-ટપકીને પ્રવાહી જમા થાય છે, આ પ્રવાહી સૂર્યોદય પહેલા તાજેતાજું પીવાય તો એને નીરો કહે છે. પામપ્રજાતીના વૃક્ષોમાં નર અને માદા વૃક્ષ અલગ-અલગ હોય છે. તાડ- Borassus Flabellifer નું જે નર વૃક્ષ હોય એની ફુલમંજરીની ડાળીમાંથી ખજૂરી કરતાં સાપેક્ષે વધુ રસ ઝરે છે. આ તાડમાંથી મેળવેલ તાજો રસ પણ સૂર્યોદય પહેલાં તો નીરો જ કહેવાય છે .

નીરો એ મૂત્રલ, શિતલ અને મધુર-અમ્લ છે. ખજૂરના ફળને આયુર્વેદમાં શ્રમહર કહ્યાં છે આથી નીરો પણ તુરંત શક્તિપ્રદ તો ખરો. નીરો ખજૂરીનો હોય કે તાડનો હોય પણ સૂર્યની ગરમીથી એમાં આથો આવવા-ફર્મન્ટેશનથવા લાગે છે આથી એ આલ્કોહોલીક બને છે અને જયારે આવું માદક અને ખાટું થયેલ વાસી નીરો પીવાય ત્યારે એ દાહ કરે છે. પિત્તપ્રકોપક બને છે. ખજુરી કરતાં તાડમાંથી મેળવેલ નીરો ઝડપી ગરમીથી અથાઇ જાય છે અને વધુ આલ્કોહોલીક થાય છે જેને તાડી કહે છે આ પરથી અંગ્રેજીમાં પણ નીરોને Toddy કહેવાય છે.

તાજા નીરાંના ઘટકોનું આધુનિકવિજ્ઞાન દ્વારા વિશ્લેષણ માં સુક્રોઝ આશરે 12% જેટલું, થોડા પ્રમાણ માં લોહતત્વ, રીબૉફલેવીન નામનું વિટામીન અને વિટામીન સી જાણવા મળેલ છે.ડાયાબીટીક દરદીઓ માટે સહેજ આથાયેલો નીરો ઉત્તમ રહે છે કેમકે એમાં રહેલ સુક્રોઝનું આથા દ્વારા રૂપાંતર થયેલ હોય છે આથી બ્લડસુગર વધતી નથી એવું આધુનીકોનું માનવું છે.મૂત્રમાર્ગના રોગોમાં જે દરદીઓને મૂત્ર ઓછું ઉતરતું હોય એમના માટે નીરો વધુ મૂત્રઉત્પાદક બને છે.
સગર્ભાવસ્થાના કોઇપણ ટ્રાઈમેસ્ટરમાં મૂત્રલદ્રવ્યોનો અતિરેક ઇચ્છનીય નથી કેમકે, તેનાથી ગર્ભજલ-amniotic fluid ઘટી શકે છે. છેલ્લા ટ્રાઈમેસ્ટરમાં ગર્ભિણીને એસીડીટીના પ્રોમ્બ્લેમસ રહે પણ એના માટે નીરો સિવાયના અન્ય ઘણાં વિકલ્પ છે.

હવે આ તાડપ્રજાતીના ઝાડ ઘટ્યાં છે, પીનારા વધ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે ગુજરાતમાં કુમારપાળ રાજા એ તાડનો તથા ગાંધીજીએ ખજુરીનો એમાંથી બનતાં કૈફી પીણાંના કારણે નાશ કરવાની ઇચ્છા વ્યક્ત કરેલ અને આ દેશની ઝડપથી અંજાઇ જવાવાળી ભાવુક પ્રજા એને આદેશ સમજીને નિકંદન કાઢેલ …

શુદ્ધ નીરો હોય તો સૂર્ય ઉગે તે પહેલાં તેનો ઉપયોગ કરી લેવો જરૂરી છે. નહીં તો તેમાં આથો ચઢે અને તાડી બનવા માંડે છે આ પરિસ્થિતિને કાબુમાં લેવાં વેચનારાઓ તેમાં ચૂનાની ફાંક, સેકરીન, ગોળને ઉમેરીને વેચવા માંડ્યા છે. આવી વસ્તુઓ ઉમેરીને નીરાના સ્વાદ જેવું જ પીણું બનાવીને પણ વેચે છે. આવા શંકાસ્પદ નીરાને પીવાથી પેટ અને લિવરના રોગો થવાની શક્યતા વધી જાય છે. પાચનક્રિયા બગડે અને લોહીમાં ગઠ્ઠા જામી જવા જેવી ફરિયાદો પણ ઉદ્દભવી શકે છે.

એક તાડના વૃક્ષમાંથી આશરે 25 થી 30 લીટર તાડી એક દિવસમાં મળે છે પણ તાડનુંવૃક્ષ 25 વર્ષ જુનું હોય ત્યારે જ તાડી પ્રાપ્ત થાય છે.

બિહાર જેવાં પૂર્વોત્તર રાજયોમાં તાડીને વધુ આલ્કોહોલીક બનાવવા યુરિયા નંખાય છે. તાડીમાં ખજુરી કરતાં ફરમેન્ટેશન વધુ ઝડપથી થાય છે એટલે એ રોકવા હાંડીમાં પહેલાં થી ચુનો નાંખી દેવાય છે અને હવે એજ ઉદેશ્ય માટે ફોર્મેલીન નંખાય છે જેથી 40થી45 કલાક ફર્મેનટેશનની પ્રક્રિયા સ્થગીત કે ધીમી કરીશકાય છે.

ગાંધીજી દ્વારા લિખીત આરોગ્યનીચાવી પુસ્તકમાંથી નીરો-તાડી વિશે એમનાં વિચારો અને ચિંતન… ૯-૧૦-‘૪૨.”તાડીનું સમર્થન પારસી ભાઈઓ તરફથી પુષ્કળ થયું છે. તેઓ કહે છે કે, તાડીમાં માદકતા છે ખરી, પણ તાડીએ ખોરાક છે અને સાથે-સાથે બીજા ખોરાકને હજમ કરવામાં મદદ કરનારી છે. આ દલીલ મેં બહુ વિચારી છે, અને એ વિશે સારી પેઠે વાંચ્યું છે પણ તાડી પીનારા ઘણા ગરીબોની જે દુર્દશા મેં જોઈ છે, તે ઉપરથી હું એવા નિર્ણય પર આવ્યો છું કે, મનુષ્યના ખોરાકમાં તાડીને કશું સ્થાન આપવાની જરૂર નથી.

જે ગુણોનું આરોપણ તાડીમાં કરવામાં આવે છે તે બધા આપણને બીજા ખોરાકમાંથી મળી રહે છે. તાડી ખજૂરીના રસમાંથી બને છે. ખજૂરીના શુદ્ધ રસમાં માદકતા મુદ્દલ નથી. શુદ્ધરૂપમાં એ નીરાને નામે ઓળખાય છે. એ નીરો એમ ને એમ પીવાથી ઘણાને સાફ દસ્ત આવે છે. મેં પોતે નીરો પી જોયો છે. મારી ઉપર એવી અસર મેં નથી અનુભવી. પણ તે ખોરાકની ગરજ બરોબર સારે છે. ચા વગેરેને બદલે માણસ નીરો સવારમાં પી લે તો તેને બીજું કંઈ પીવા કે ખાવાની જરૂર ન રહેવી જોઈએ. નીરાને શેરડીના રસની જેમ ઉકાળવામાં આવે તો તેમાંથી બહુ સરસ ગોળ પેદા થાય છે. ખજૂરી એ તાડની એક જાત છે. અનેક પ્રકારના તાડ દેશમાં વગર મહેનતે ઊગે છે. તે બધાંમાંથી નીરો નીકળી શકે છે. નીરો એવો પદાર્થ છે કે જ્યાં નીકળ્યો ત્યાં જ તુરત પિવાય તો કંઈ જોખમ ન વહોરવું પડે. તેમાં માદક્તા જલદી પેદા થઈ જાય છે. એટલે જ્યાં તેનો વપરાશ તુરત ન થઈ શકે એમ હોય ત્યાં તેનો ગોળ કરી લેવામાં આવે, તો એ શેરડીના ગોળની ગરજ સારે છે. કેટલાકની માન્યતા એવી છે કે, એ શેરડીનાં ગોળ કરતાં વધારે ગુણકારી છે. તેમાં ગળપણ ઓછું હોવાથી શેરડીના ગોળ કરતાં વધુ માત્રામાં તે ખાઈ શકાય છે. ગ્રામ ઉદ્યોગ સંધની મારફત તાડગોળનો ઠીક પ્રમાણમાં પ્રચાર થયો છે. હજુ બહુ વધારે પ્રમણમાં થવો જોઈએ. જે તાડોમાંથી તાડી બનાવવામાં આવે છે, તે તાડોમાંથી ગોળ બનાવવામાં આવે, તો હિંદુસ્તાનમાં ગોળખાંડની તૂટ આવે જ નહીં, અને ગરીબોને સસ્તેભાવે ઉત્તમ ગોળ મળી શકે. તાડગોળમાંથી શર્કરા બની શકે છે અને તેમાંથી ચીની પણ બનાવી શકાય છે. પણ ગોળનો ગુણ સાકર અને ચીની કરતાં બહુ વધી જાય છે. ગોળમાં રહેલા ક્ષારો ચીનીમાં રહેતા નથી. જેમ ભૂસી વિનાનો આટો કે ભૂસી વિનાના ચાવલ તેમ ક્ષારો વિનાની સાકર સમજવી. ખોરાક જે તેની સ્વાભાવિક સ્થિતિમાં ખવાય તેમ તેમાંથી આપણને વધારે સત્ત્વ મળે છે, એમ કહી શકાય. ડો. ભાવેશ મોઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here