લસણ સરળતાથી ફોલવા માટે કળીઓ પર તેલ લગાડી થોડી વાર રહેવા દઇ ફોલવાથી જલદી ફોતરા ઉતરી જશે.
ખમણ ઢોકળાં બનાવતી વખતે દોઢ કપ દાળના આથામાં બે સાદા ફ્રુટ સોલ્ટના પાઉચ નાખી બરાબર ફીણી ખમણ ઉતારવાથી ખમણ પોચાં થશે.
સાબુદાણાની ખીચડી બનાવતી વખતે સાબુદાણાને થોડીવાર પાણીમાં પલાળવા. સાબુદાણા ફૂલે એટલે પાણી નીતારી એક સ્વચ્છ કપડા કે પેપર પર થોડી વાર પાથરી રાખવાથી સાબુદાણા કોરા થઇ જશે. બાદમાં બટાકા તથા સીંગદાણાના ભૂક્કા સાથે ભેળવી જોઇતો મસાલો કરી વઘારવી. આ ખીચડી લોચા જેવી ન થતાં છૂટી થશે.
ટામેટાનો સૂપ બનાવતી વખતે તેમાં ફૂદીનાનાં થોડા પાન નાખવાથી સૂપની સોડમ તથા સ્વાદ બંને સારા લાગશે. પગની આંગળીમાં નીચેના ભાગમાં સાંધા પર ચીરા પડી ગયા હોય તો તેના પર બોરીક પાવડર લગાડવાથી રાહત થશે.
બટાકાના છૂંદામાં થોડો સૂરણ,કંદનો છૂંદો તથા આરારોટ ભેળવી જોઇતો મસાલો કરી પેટીસની માફક તવા પર બેને બાજુ શેકી ઉતારી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. પપૈયાનો ગર ચહેરા પર નિયમિત લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે.
પુસ્તકોમાં જીવાત ન પડે માટે તેની સાથે મેન્થોલની ગોળીઓ અથવા તો તમાકુના પાંદડા મુકવા. ઇડલી સાથે સંભાર બનાવતી વખતે કોળાના ટુકડા તથા સરગવાની શીંગના ટુકડા બાફી વઘારી દાળ નાખી જોઇતો મસાલો નાખવાથી સંભાર સ્વાદિષ્ટ લાગે છે.
રવાના ઢોકળા બનાવતી વખતે આથામાં ગરમ તેલ તથા સોડા નાખી ઉતારવાથી ઢોકળાં પોચા બનશે. પકોડાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં થોડો કોર્નફલોર ભેળવવો.
સલાડને તાજું રાખવા માટે સમર્યા પહેલા સામગ્રીને થોડી વાર બરફના પાણીમાં રાખવી. બથુઆ (એક ભાજી)ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે.