વીર્યવર્ધક, રસાયન, ઓજવર્ધક વનસ્પતિ – બળ, ખપાટ/બળબીજ ગુજરાતમાં ખપાટ, ખરેટી કે બળ (બલા, ખરૈટી)ના છોડ જંગલ તથા વન-વનડે, ખેતરોની વાડ પાસે થાય છે. તેમાં છોડ દોઢ હાથ જેટલી ઊંચાઈનાં થાય છે. તેનાં મૂળ અને ડાળી લાકડા જેવી, રેસાદાર અને મજબૂત; છાલ સાધારણ પીળા-ભૂખરા રંગની, પાન તુલસીનાં પાન જેવા એકાંતર, ૧-૨ ઈંચ લાંબા ૧ ઈંચ પહોળાં, ગોળ, દાંતેદાર કિનારીવાળા, લીલા રંગના મૃદુ રોમયુક્ત, અણીસહિત, ૭ થી ૯ શિરાઓ વાળા હોય છે. તેની પર ફૂલો હળવા પીળા રંગના ચાર પાંખડીનાં, નાના કદનાં થાય છે. ફળ ઉપર પુમ થાય છે. ફળ વસ્ત્રને ચોંટે છે. ફળની અંદર રાઈ જેવા નાનાં નાનાં ભૂખરા કે કાળા રંગના બીજ કે જેને ગુજરાતીમાં ‘બળબીજ‘ કહે છે અને શક્તિવર્ધક દવારૂપે ખાસ વપરાય છે, તેની સફેદ અને પીળી બે જાતો છે .
ગુણધર્મો :ખપાટ/બલા – મધુર, ભારે, સ્નિગ્ધ, ચીકણી, શીતવીર્ય, વાયુ-પિત્ત શામક, અનુલોમક, ગ્રાહી (સંકોચક), હ્રદયને હિતકર, મૂત્રલ, ગર્ભપોષક, બલ્ય, પુષ્ટિકર્તા ઓજવર્ધક, પીડાશામક અને સોજા, પક્ષઘાત, મોંનો લકવો, વાયુ વિકાર, રક્તપિત્ત, નેત્રરોગ, વ્રણશોથ, પેટનો વાયુ, હ્રદયની નબળાઈ, ગ્રહણી, ઉરઃક્ષત, શુક્રમેહ, પ્રદર, મૂત્રકચ્છ, ક્ષય, દૂબળાપણું, ગરમીના ઝાડા અને તાવનાશક છે. ઔષધ રૂપે ખપાટનાં મૂળ, પાન, બીજ તથા પંચાંગ વપરાય છે. બળબીજ કામોત્તેજક છે.
- ઔષધિ પ્રયોગ :
- (૧) ગાંઠ-ગુમડું જલ્દી પાકીને ફોડવા માટે : ખપાટનું મૂળ પાણીમાં ઘસી, તેમાં કબૂતરની હગાર (ચરક) મેળવી, વાટીને ગાંઠ પર લગાવવું.
- (૨) વાગવાનો જખમ : ખપાટના પાનનો રસ કાઢી જખમ પર લગાવવાથી તે જલ્દી સારો થાય છે.
- (૩) હ્રદયરોગ, દમ અને ખાંસી : ડુંગરાઉ ખપાટના મૂળનું ચૂર્ણ ગાયના દૂધમાં ઉકાળીને સવાર-સાંજ પીવું.
- (૪) પ્રમેહ, શુક્રમેહ : ખપાટના પંચાંગનો રસ કે ઉકાળો કરી રોજ પીવો.
- (૫) શ્વેતપ્રદર, મૂત્રકચ્છ, પરમિયો : ખપાટ મૂળની છાલનું ચૂર્ણ, ખાંડ નાંખી ઉકાળેલા દૂધ સાથે રોજ પીવું.
- (૬) લકવા, રાંઝણ, મોંનો લકવો, શિરઃશૂલ : ખપાટ પંચાંગ અને દૂધ મિશ્ર કરી, તેમાં ઉકાળી, તેમાં તેલ નાખી, સિદ્ધ કરી, તેનું માલિશ કરવું.
- (૭) સોજા-સંગ્રહણી : ખપાટનાં પાનનો રસ રોજ લેવો.
- (૮) અંડકોષ વૃદ્ધિ : ખપાટના ઉકાળામાં દિવેલ નાંખી રોજ પીવું.
- (૯) સ્વર બેસી જવો : ખપાટ પત્રના ચૂર્ણને સાકર કે મધ સાથે લેવું.
- (૧૦) ફેફસાનો ટી. બી. : ખપાટ મૂળની છાલનું ચૂર્ણ દૂધ સાથે રોજ પીવું.
- (૧૧) વીર્યપુષ્ટિ – મંદ કામના : બળબીજ, અશ્વગંધા, કૌંચા અને માલકાંગણીનાં મીંજનું ચૂર્ણ બનાવી, રોજ દૂધ સાથે લેવું.
- (૧૨) મૂત્રકષ્ટ-અલ્પમૂત્ર : ખપાટનાં પાન અને ગોખરુંનો ઉકાળો કરી પીવો.
- (૧૩) બાળશોથ (સૂકવા) : રવિવારે કે મંગળવારે ખપાટનું મૂળ ખોદી લાવી, તેનું સૂકવીને ચૂર્ણ બનાવી કે તેનો ઉકાળો કરી બાળકને પાવો. તેમજ ૨-૩ લીટર પાણીમાં ખપાટનું પંચાંગ ૧૦૦ ગ્રાexમ નાંખી, ઉકાળી, તે પાણીથી બાળકને સ્નાન કરાવવું.
- (૧૪) દૂઝતા હરસ : ખપાટનાં પાનની ભાજી બનાવીને ખાવી. ગરમ ખોરાક ત્યજવો.
- માહિતી : Jitendra Ravia
ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.