એક વર્ષથી પણ વધારે સમયથી કોરોના માનવીને હેરાન કરી રહ્યો છે. સતત ઘરમાં જ રહીને હવે તો પ્રત્યેક વ્યક્તિ કંટાળી છે. પ્રત્યેક ઘરમાં એક વાત તો ચર્ચાતી જોવા અચૂક મળે છે. ક્યાં સુધી … હજી ક્યાં સુધી ઘરમાં રહેવાનું ! સાવચેતીના પગલાં ભરીને કોરોનાના પ્રકોપથી બચવાનું. માન્યું કે વેક્સિન આવી ગઈ છે. તેમ છતાં પ્રાથમિક કાળજી લેવી જરૂરી છે. નિષ્ણાત ડૉક્ટરોનું કહેવું છે કે આખા વિશ્વને બાનમાં લેનાર કોરોના એમ કાંઈ જલદીથી જવાનો નથી. તેને હરાવવા આપણે સર્વેએ જ કાળજી લેવી રહી. જેમ કે માસ્ક પહેરવું, વારંવાર સાબુથી હાથ ધોવા. સેનિટાઈઝરનો ઉપયોગ કંટાળ્યા વગર કરતા રહેવાથી, તેના કહેરથી બચવું હજી એક વર્ષ સુધી આસાન બનશે.
ભારતીયો તો ઉત્સવ પ્રિય પ્રજા ગણાય છે. તારીખ 28 મીને રવિવારના રોજ હોળી છે. હોળીનો તહેવાર આવે તેની સાથે કુદરત દ્વારા વસંતની ઉજવણી થતી જોવા મળે છે. વૃક્ષો નવાં પર્ણની કૂંપળોથી હરખાઈ રહ્યાં છે. પંખીઓ વહેલી સવારના વસંતને વધાવતા લયબદ્ધ કર્ણપ્રિય લહેકા કરી રહ્યાં છે. ખેતરમાં પાક લહેરાતો જોવા મળે છે. ફાગણને વધાવવાની સાથે માનવી હોળીના તહેવારને રંગોથી ભરી દેવા ઉત્સુક જોવા મળે છે. હોળીના દિવસે મોટે ભાગે તો હોળી ભૂખ્યા રહેવાની પ્રથા આજે પણ એટલી જ સચવાયેલી જોવા મળે છે. હોળીનું પૂજન કર્યા બાદ જ ઉપવાસ તોડવાની એક સુંદર પ્રથા પણ જોવા મળે છે. ત્યાર બાદ પૂરણપોળી, શીખંડ પૂરી કે ગુજિયા મગજના લાડુનો સ્વાદ માણવામાં આવે છે. હોળી ભૂખ્યા હોઈએ, પરંતુ ઘરે ઘરે સવારના સમયે જુવારની ધાણી ખાવાની પ્રથા જોવા મળે છે. આખી જુવારને ફોડીને ખાસ બનાવવામાં આવતી ધાણીનો સ્વાદ ખાસ માણવા જેવો હોય છે.
સામાન્ય રીતે તો આપણે પૉપકોર્નની વાત કાઢીએ એટલે સિનેમા હોલમાં ગરમા – ગરમ મળતી વિવિધ સ્વાદવાળી, જેમ કે મસાલા, ચીઝ, સુગર કોટેડ વરાઈટી નજર સમક્ષ આવે. આ પૉપકોર્ન મકાઈમાંથી બનાવવામાં આવતી હોય છે. આજે આપણે ખાસ વાત કરવી છે ‘’જુવારની ધાણીની.” દેખાવમાં મકાઈની ધાણી કે પોપકોર્નથી અડધી હોય છે. સ્વાદની વાત કરીએ તો બમણો જોવા મળે છે. નાનાં બાળકોથી લઈને વડીલ વર્ગ પણ તેને આસાનીથી ખાઈ શકે છે. પચવામાં પણ હલકી ગણાય છે. વળી જુવારની ધાણીની ખાસ વાત એટલે કે તે ગ્લુટેન ફ્રી છે. વળી તે પ્રત્યેક કુટુંબને પરવડી શકે તેવી કિંમતમાં ઉપલબ્ધ હોય છે. અનેક
જગ્યાએ તો હોળી નજદીક આવે તેમ ફેરિયાઓ મોટા કોથળામાં લઈને ઢગલામાં વેચે છે. તાજી બનાવેલી જુવારની ધાણી સ્વાદ તથા સ્વાસ્થ્ય બંને માટે ગુણકારી ગણાય છે. ફાઈબરનું પ્રમાણ ભરપૂર માત્રામાં સમાયેલું છે. પ્રોટીન તથા કેલ્શિયમની માત્રા પણ સારા પ્રમાણમાં સમાયેલી છે. વિટામિન્સ , મિનરલ્સની સાથે તેમાં ઍન્ટિ ઑક્સિડન્ટના ગુણો પણ સમાયેલા છે.
કૉપર, ઝિંક, ફોસ્ફરસ, પોટેશિયમ તથા શરીર માટે અત્યંત જરૂરી તેવા વિટામિન બી – 12 ની માત્રા પણ જુવારની ધાણીમાં સમાયેલી છે . ડાયાબિટીસના દર્દીઓ પણ તેનો આહારમાં ઉપયોગ સરળતાથી કરી શકે છે. તો વળી સ્વાસ્થ પ્રત્યે સજાગ વ્યક્તિ પણ તેનો આહારમાં ઉપયોગ કરી શકે છે.
વજન નિયંત્રણમાં રાખવામાં પણ જુવારની ધાણી ઉપયોગી છે. પોષણનો ખજાનો તથા ઓછી કૅલરી ધરાવતી જુવારની ધાણી આરોગ્યવર્ધક ગણાય છે.
જુવારનું વૈજ્ઞાનીક નામ સૉરગમ બાઈકલર છે. જુવારનો છોડ પોએસી કુળનો ગણાય છે. સંસ્કૃતમાં જુવારને જુર્ણ, ઈક્ષુપત્રક કહેવામાં આવે છે. કન્નડમાં જોલા, બંગાળીમાં જોવાર કે જ્યારા, પંજાબીમાં જુનરી, મરાઠીમાં જવારી કે જોંધલા, મલયાલમમાં ચોલમ તરીકે જાણીતી છે.
જુવાર જ્યારે કૂણી હોય ત્યારે તેનો પોંક તરીકે ઉપયોગ કરી શકાય છે. જુવારના રોટલા કે રોટલી બનાવી શકાય છે. જુવારના લોટમાંથી પૂડલાં કે મૂઠિયાં પણ સ્વાદિષ્ટ બને છે. ગરમીમાં જુવારની ધાણી ખાવાથી શરીરને પૂરતા પોષક ગુણો મળવાની સાથે ચયાપચયની પ્રક્રિયામાં પણ ઉપયોગી બને છે. વળી જુવાર હલકી હોવાની સાથે પિત્તવર્ધક પણ ગણાય છે માટે પ્રમાણભાન રાખીને ઉપયોગ કરવો હિતકારી મનાય છે.
જુવારના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર સૌથી આગળ જોવા મળે છે. દેશના કુલ ઉત્પાદનનાં 37 ટકા ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. બીજા સ્થાને કર્ણાટક 23 ટકા, ત્રીજા ક્રમાંકે મધ્ય પ્રદેશ 12 ટકા જોવા મળે છે.
• જુવારના સ્વાસ્થ્યવર્ધક ગુણો
માનવીના આહારની સાથે પશુઓ માટેના ચારાના રૂપમાં પણ જુવારનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. ઘઉં તથા બાજરાના રોટલાની સાથે જુવારનાં રોટલા – રોટલી કે પૂડલા ખાવાનું લોકો પસંદ કરવા લાગ્યા છે. હવે તો આધુનિક રસોઈકળામાં નિષ્ણાત ગૃહિણી જુવારના લોટમાંથી કૂકીઝ, પાસ્તા તથા પિઝા બ્રેડ પણ બનાવવા લાગી છે. સુરત નવસારી – વડસાલ – ભરૂચ શહેરની મુલાકાત લેશો તો પ્રત્યેક ઘરમાં ઘઉંની રોટલીને બદલે જુવારની રોટલી વધુ પસંદ કરવામાં આવે છે. તો મહારાષ્ટ્રમાં પણ જુવારના લોટને સહેજ નવશેકા પાણીથી બાંધવામાં આવે છે. થોડો સમય ઢાંકીને રાખ્યા બાદ તેમાંથી રોટલા બનાવવામાં આવે છે જેનો સ્વાદ દાઢમાં રહી જાય તેવો હોય છે. તાજી જુવારના કૂણા – કૂણા પોંકનો સ્વાદ પણ મીઠો – મધુરો લાગે છે. શિયાળામાં ખાસ પોંકની લહેજત માણવા મુંબઈથી પણ શોખીનો સુરતની મુલાકાત લેતા હોય છે. જુવારની આશરે 30 પ્રજાતિ જોવા મળે છે. વળી સ્વાથ્ય માટે તે જડીબુટ્ટી સમાન ગણાય છે.
- હાડકાં મજબૂત બનાવે છે જુવારમાં મેગ્નેશિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. શરીરમાં કૅલ્શિયમને ફેલાવવામાં પણ મદદ કરે છે. શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ પૂરતું હોવું આવશ્યક છે જેથી હાડકાંની મજબૂતાઈ જળવાઈ રહે.
- વજન ઘટાડવામાં મદદરૂપ જુવારમાં મોટા પ્રમાણમાં ફાઈબરની માત્રા સમાયેલી જોવા મળે છે. શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટાડવામાં ફાઈબરયુક્ત આહાર ઘણો ઉપયોગી થાય છે. વળી જુવારની ધાણી ઓછા તેલમાં બનાવી શકાય છે. થોડી ધાણી ખાવાથી પણ લાંબો સમય પેટ ભરેલું રહે છે.
- ડાયાબિટીસમાં ગુણકારી જુવારમાં ટેનિન નામક સત્ત્વ સમાયેલું છે. તે શરીરમાં એવા એન્ઝાઈમ્સને બનાવતું રોકે છે જે શરીરમાં રહેલી સ્ટાર્ચને શોષી લે છે. જુવારનો ઉપયોગ આહારમાં કરવાથી લોહીમાં ઈસ્યુલિન તથા ગ્લૂકોઝની માત્રા પણ જાળવવામાં મદદ મળે છે.
- ત્વચાના કેન્સરથી બચાવે છે પ્રત્યેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેની ત્વચા વય વધવાની સાથે પણ કોમળ રહે. ત્વચાની ચમક જળવાઈ રહે. જુવારનો વિવિધ રીતે ઉપયોગ તો ત્વચા માટે વરદાન સમાન જ ગણવામાં આવે છે. તેનું મુખ્ય કારણ ત્વચામાં એક ખાસ પ્રકારના મેલનૉમા નામક સેલ્સનું વધુ ઉત્પાદન થતું રોકવામાં મદદ કરે છે. મેલનૉમા નામક સેલનું પ્રમાણ જો ત્વચામાં વધવા લાગે તો કૅન્સરનું જોખમ વધી જાય છે.
- હૃદયની તંદુરસ્તી સુધારવામાં ગુણકારી જુવારમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે જે લોહીમાં રહેલા ખરાબ કૉલેસ્ટરોલની માત્રા ઘટાડવામાં મદદ કરે છે. એટલે કે એલડીએલની માત્રા ઘટાડે છે. ગ્લુટેન ફ્રી હોવાથી હૃદય સંબંધિત બીમારીથી બચવા માટે જુવારનો ઉપયોગ ગુણકારી ગણવામાં આવે છે.
• જુવારની ધાણી બનાવવાની રીત
સામગ્રી : 250 ગ્રામ જુવારની ધાણી, સ્વાદાનુસાર મીઠું, ચપટી હિંગ, 1 નાની ચમચી હળદર, વઘાર માટે ૩ થી ૪ ચમચા તેલ, દાળિયા અડધી વાટકી, 1 ચમચી ચાટ મસાલો, મીઠા લીમડાનાં 10 થી 12 પાન.
બનાવવાની રીત : જુવારની ધાણીને સૌપ્રથમ ચારણીમાં લઈને બરાબર ચાળીને સાફ કરી લેવી. કડાઈમાં તેલ ગરમ કરવું. દાળિયાને પણ ધીમા તાપે સાંતળીને એક બાઉલમાં કાઢી લેવા. દાળિયામાં ચાટ મસાલો ભેળવવો. કડાઈમાં હળદર – મીઠા લીમડાનાં પાનને સાંતળી લીધા બાદ ગરમ તેલમાં ધાણી ભેળવવી. હિંગ તથા સ્વાદાનુસાર મીઠું ભેળવવું. ધીમા તાપે હલાવીને ક્રિસ્પી બન્યા બાદ ઉપરથી ચાટ મસાલાવાળા દાળિયા ભેળવીને તેનો સ્વાદ માણવો.
જુવારની ધાણી બારેમાસ ખાવી હોય તો જુવારના દાણા લાવીને તેને બરાબર વહેતા પાણીથી ધોઈને સાફ કરી લેવા. કોરા કપડા ઉપર સૂકવી દેવા. એક કપ જુવારના દાણાને કડાઈમાં મધ્યમ આંચ ઉપર ગરમ કરીને ધીમે – ધીમે હલાવતા રહેવું. 2 – 3 મિનિટમાં દાણા ફૂટવા લાગશે. દાણા ફૂટવા લાગે એટલે ઢાંકણ ઢાંકી દેવું.