કપડાં પરથી ચા, કોફી કે આયોડિનના ડાઘ દૂર કરવા ગરમ પાણીમાં બોરેક્ષ નાખી ફક્ત ડાઘવાળા ભાગને થોડો સમય પલાળી રાખી ત્યારબાદ નીચોવી તડકામાં સૂકવી દેવાં. પલાળતી વખતે ફક્ત ડાઘાવાળા ભાગને જ પાણીમાં રાખવો. આખું કપડું નાખવાથી આયોડિનના ડાઘ પૂરા કપડામાં ફેલાઈ જવાની શક્યતા છે.
પૉલિશ કરેલા ટેબલ પર પડેલાં ગરમ પાણીના ડાઘ દૂર કરવા સલાડ ઓઈલની અંદર મીઠું ભેળવી ડાઘ પર લગાડી એક કલાક સુધી રહેવા દેવું ત્યારબાદ મુલાયમ કપડાથી ઘસીને લૂછી નાખવાથી ડાઘ અદ્રશ્ય થઈ જશે.
ક્રિસ્ટલના ગ્લાસ ચમકાવવા માટે ટૂથપેસ્ટ પણ ખપ લાગી શકે. ગ્લાસના અંદર અને બહારના ભાગમાં ટૂથ પેસ્ટ લગાવ્યા પછી એક ટૂથબ્રશ વડે તેેને હળવે હાથે ઘસો. ત્યાર પછી ગ્લાસ સાદા પાણી વડે ધોઇ લો. આમ કરવાથી ગ્લાસને નુક્સાન પહોંચાડયા વિના તેમાં ચમક લાવી શકાશે.
ક્રોકરીની ચીકાશ દૂર કરવા માટે પાણીમાં લીંબુ નાખીને ક્રોકરી ધોવાથી પણ તેની ચીકાશ દૂર થાય છે અને તેમાં નવી ચમક આવે છે. વળી લીંબુવાળા પાણીને કારણે ક્રોકરી હાથમાંથી સરકતી પણ નથી.