સૂરણ એ જમીનની અંદર થનાર કંદ છે. રેતાળ જમીનમાં તેનો પાક ખૂબ સારો થાય છે. આયુર્વેદ પ્રમાણે સર્વ પ્રકારના કંદ-શાકોમાં સૂરણ સર્વોત્તમ, સ્વાદમાં (સફેદ સૂરણ) તીખું અને તૂરું, ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હળવું, મળછેદક અને મળને રોકનાર, વાયુ-કફનો નાશ કરનાર તથા કબજિયાત, મંદાગ્નિ, આમવાત, ઉદરશૂળ, ખાંસી, શ્વાસ વગેરેને દૂર કરનાર છે. લાલ સૂરણ ભૂખ લગાડનાર, પાચક, હળવું, ખંજવાળ ઉત્પન્ન કરનાર, ઝાડાને રોકનાર, મેદ, કફ, કૃમિ, ઉધરસ, ઊલટી અને હરસને મટાડનાર છે. આયુર્વેદમાં ‘સૂરણ’ને ‘અર્શોઘ્ન’ નામ આપવામાં આવ્યું છે. અર્શ એટલે હરસ-મસા અને તેનો નાશ કરનાર એ અર્શોઘ્ન. સૂરણ એ મળમાર્ગના હરસ-મસાને મટાડનાર ઉત્તમ ઔષધ છે.
આયુર્વેદ પ્રમાણે સૂરણ એ હરસ-મસાનો નાશ કરનાર શ્રેષ્ઠ ઔષધ છે. હરસની તકલીફમાં સૂરણના કંદને સૂકવીને બનાવેલું ચૂર્ણ ૩૦૦ ગ્રામ, ચિત્રક ૧૫૦ ગ્રામ અને કાળા મરી ૧૫ ગ્રામ લઈ બધાનું ચૂર્ણ કરી તેમાં બમણો ગોળ મેળવીને મોટા બોર જેવડી ગોળીઓ બનાવી લેવી. સવાર-સાંજ જમ્યા પછી આ એક-એક ગોળીનું સેવન કરવાથી બધા પ્રકારના હરસ મટે છે. સૂરણ મંદાગ્નિ અને આમદોષને દૂર કરનાર ઉત્તમ ઔષધ છે. સૂરણના કંદને સૂકવીને તેનું ચૂર્ણ કરી એક ચમચી જેટલા આ ચૂર્ણને ઘીમાં શેકીને, સાકર સાથે લેવાથી આમ અને મંદાગ્નિ મટે છે.
હાથીપગામાં સૂરણનો લેપ ઉત્તમ પરિણામ આપે છે. હાથીપગા પર સૂરણ અને ઘીને મધમાં વાટીને સવાર-સાંજ તેનો લેપ કરવો. હાથીપગાના સોજામાં રાહત જણાશે. અવારનવાર બરોળ વધી જતી હોય તેમના માટે સૂરણનું શાક ઉત્તમ છે. બરોળ વધી ગઈ હોય તેમને રોજ સૂરણનું શાક ઘીમાં શેકીને તેનું સેવન કરવું. અવશ્ય લાભ થશે.
સૂરણ રક્તસ્રાવી મસાને પણ મટાડે છે. રક્તસ્રાવી મસામાં સૂરણ અને કડાછાલનું સમભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ છાશ સાથે લેવું. થોડા દિવસમાં જ રક્તસ્રાવી મસામાં લાભ જણાશે. વૈદ્ય પ્રશાંત ગૌદાની :-
ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.