ઘરમાં સૂકા મેવા તરીકે પ્રયોગ કરવામાં આવતી ચારોળી માત્ર રસોઇ બનાવવા પૂરતી જ ઉપયોગી નથી પરંતુ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ચારોળી બહુ જ લાભપ્રદ સાબિત થાય છે. આપણે ત્યાં જે ઘરોમાં દૂધપાક બનતો હશે તેઓ ‘ચારોળી’થી પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે ચારોળી અચૂક નાખવામાં આવે છે. એ સિવાય દૂધ અને દૂધની મીઠાઈઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચારોળી ખૂબ જ પૌષ્ટિક છે. બદામની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. ચારોળીનું તેલ બદામના તેલ જેવા જ ગુણોવાળું હોય છે. ચારોળીમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, બી1, બી2, આયર્ન જેવા પોષક તત્વો હોય છે.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.
થાકને ભગાડે ફટાફટ કામ કરીને થાકીને આવ્યા હોય ત્યારે એક ગ્લાસ દૂધમાં ચારોળી અને સાકર મેળવી, ઉકાળી, ઠંડું પાડીને પીવાથી થાક દૂર થાય છે. આ ઉપચાર પ્રયોગ શક્તિ અને સ્ફુર્તિ આપનારો છે.
રક્તસ્રાવમાં લાભપ્રદશરીરના કોઈપણ માર્ગથી રક્તસ્રાવ થતો હોય તેમાં ચારોળીનું સેવન લાભદાયક છે. રક્તસ્રાવમાં પાંચ પાંચ ગ્રામ ચારોળી અને જેઠીમધના ચૂર્ણને વાટી ઉપર મુજબ તેને દૂધમાં પકવી લેવા. ઠંડું પડે સાકર ઉમેરી આ દૂધ પી જવું. આ પ્રમાણે સવાર-સાંજ દૂધ બનાવીને પીવાથી શરીરના ઉપર કે નીચેના માર્ગેથી રક્તસ્રાવ થતો હોય તે મટે છે.
શરદી-ખાંસીમાં ફાયદાકારક જો તમને શરદી-ખાંસીની સમસ્યા રહેતી હોય તો તેના માટે 5-10 ગ્રામ ચારોળીને સેકી લેવી. ત્યારબાદ તેને પીસીને એક કપ દૂધમાં તે પાઉડર મિક્ષ કરીને દૂધ ઉકાળવું. તેમાં સ્વાદ મુજબ એલચી અને સાકર મિક્ષ કરીને પીવાથી આ સમસ્યાથી રાહત મળે છે.
કફની સમસ્યા કરે છે દૂર કેટલાક લોકોને કફની સમસ્યા હોય છે જેના કારણે શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હોય છે અને આના કારણે ઘણીવાર ગળામાં ખારાશની પણ શિકાયત થાય છે. આનાથી રાહત માટે 5થી 1- ગ્રામ ચારોળીનું સેવન કરવું જોઈએ.
ચહેરાનો રંગ નિખારે છે ચારોળીને પીસીને તેમાં થોડી માત્રામાં હળદર મિક્ષ કરવી. સાથે જ તેમાં મધ, લીંબૂ અને ગુલાબ જળ મિક્ષ કરવું. હવે આ પેસ્ટને ચહેરા પર દરરોજ લગાવવી. આનાથી ચહેરાનો કાળો રંગ ધીરે-ધીરે દૂર થશે.
ખીલની સમસ્યામાં કરો ઉપયોગ જે લોકોને ખીલની સમસ્યા રહેતી હોય છે તેમના માટે ચારોળીનો આ પ્રયોગ બહુ જ કારગર સાબિત થાય છે. તેના માટે ચારોળીને પીસીને તેમાં ગુલાબજળ મિક્ષ કરીને ચહેરા પર લગાવો. સૂકાઈ ગયા બાદ ચહેરો ધોઈ લો. આ ઉપાયથી ખીલની સમસ્યા તો દુર થશે સાથે જ ચહેરામાં ચમક આવશે. ચહેરા પરની કરચલીઓ દુર કરવા માટે 10થી 12 ચારોળીને દૂધમાં પલાળી દેવી. સવારે તેની પેસ્ટ ચહેરા પર લગાવવી. નિયમિત આ ઉપાય કરવાથી તમે જાતે ફરક અનુભવશો.
ત્વચાની સમસ્યાઓમાં ઉપયોગી ચામડી પર નાનાં નાનાં ચકામાં થાય છે. ખંજવાળ પણ ખૂબ આવે છે. આ રોગમાં ચારોળીને પાણીમાં વાટી તેનો ચકામા પર લેપ કરવાથી ચકામા બેસી જાય છે. ખંજવાળમાં પણ રાહત થાય છે.
અશક્તિ કરે છે દૂર સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખુબ ચાવીને ખાવાથી અશક્તિ દુર થાય છે અને વજન વધે છે. ચારોળી પિત્ત, કફ તથા લોહીના બગાડને દૂર કરે છે.
કામશિથિલતા દૂર કરે છે ચારોળીને પૌષ્ટિક અને કામશક્તિવર્ધક કહી છે. નબળાઈ જણાતી હોય તેમણે ચારોળીના દસ દાણા અને થોડું અશ્વગંધાનું ચૂર્ણ લઈ વાટી લેવા. એક ગ્લાસ દૂધમાં એટલું જ પાણી મેળવી તેમાં આ વાટેલું મિશ્રણ ઉમેરીને ઉકાળવું. ઊકળતા ફક્ત દૂધ બાકી રહે ત્યારે ઉતારી, ઠંડું પાડી, સાકર મેળવીને પી જવું. સવાર-સાંજ આ દૂધના સેવનથી કામશિથિલતા દૂર થઈ શક્તિ આવે છે.
આયુર્વેદ પ્રમાણે ચારોળી મધુર, શીતળ, પચવામાં ભારે, વાત-પિત્તશામક, વર્ણ સુધારનાર, હૃદયને હિતકારી, કામશક્તિવર્ધક, બળપ્રદ, દાહશામક, રક્તવૃદ્ધિ અને શુદ્ધિકર છે. તે વાયુ અને રક્તના રોગો, શુક્રાણુઓની દુર્બળતા, હૃદયની નબળાઈ, ઉદર્દ (ચામડીનો એક રોગ), સોજા અને તાવને મટાડનાર છે. ચારોળીનું તેલ મધુર, થોડું ગરમ અને વાત-પિત્તનાશક છે.
બળતરામાં રાહત આપે જે ભાગ પર બળતરા થતી હોય ત્યા ચારોળીને પીસીને તેની પેસ્ટ લગાવવાથી ઠંડક મળે છે.
ડાયરિયા માટે ચારોળીનું તેલ અને ચારોળીની જડ ડાયરિયા અને પાચન સંબંધી સમસ્યાઓમાં લાભકારી સિદ્ધ થાય છે. તમે ચારોળીના પાઉડરને ફાંકી પણ લઈ શકો છો.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.