વારંવાર થતો કફ કે શ્વાસ અને બાળકોના મોટા ભાગના રોગોનું ઉત્તમ ઔષધ છે સાજા-માંદા સૌ કોઈ માટેનું નિર્દોષ ઔષધ : સંશમની વટી

0
283

જૂનો (જીરણ) તાવ, શરીરનો તપારો, થાક, વારંવાર થતો કફ કે શ્વાસ અને બાળકોના મોટા ભાગના રોગોનું એ ઉત્તમ ઔષધ છે આયુર્વેદના જે કેટલાક પ્રચલિત અને સર્વ સામાન્ય ઔષધો છે તેમાં ‘સંશમની’નું સ્થાન વિશિષ્ટ છે. રોગ અને દોષોનું સમ્યક્ રીતે શમન કરતી હોવાથી જ આ ઔષધિને ‘સંશમની’ જેવું સાર્થક નામ મળ્યું હશે?

ચિકિત્સા વ્યવસાયમાં પડેલા સોમાંથી નવ્વાણુ વૈદ્યને ત્યાં જઈને જોશો તો દરેકને ત્યાં આ ઔષધ મળી જવાનું અને દરેક પોતપોતાની રીતે આનો છૂટથી ઉપયોગ પણ કરતા હશે. એ માત્ર માંદાઓ માટેનું જ નહીં, સાજાને કાયમ સાજા રાખી શકે એવું ઔષધ છે.રસોદ્ધાર તંત્રમાં સંશમનીના ત્રણ પ્રકાર બતાવ્યા છે. નંબર એક, બે અને ત્રણ. ચિકિત્સક પ્રિષ્ક્રિપ્શન લખી આપે ત્યારે પણ નંબરનો ઉલ્લેખ ખાસ કરતાં હોય છે.

સંશમની નંબર એકમાં ગળોનું ઘન સોળ ભાગ, લોહભસ્મ બે ભાગ અને લીંડી પીપર તથા અતિવિષનું ચૂર્ણ એક એક ભાગ હોય છે. આ બધાને પાણી સાથે ખરલમાં ઘુંટી મગની મોટી ગોળી બનાવીને સવાર સાંજ બે બે ગોળી લેવાની હોય છે.

જૂનો (જીરણ) તાવ, શરીરનો તપારો, થાક, વારંવાર થતો કફ કે શ્વાસ અને બાળકોના મોટા ભાગના રોગોનું એ ઉત્તમ ઔષધ છે. બીજા પ્રકારમાં બાકીના બધા દ્રવ્યો અને પ્રમાણ તો એના એજ હોય છે, પરંતુ લોહભસ્મને બદલે મંડૂર ભસ્મ વાપરવામાં આવે છે. મંડૂર ભસ્મને બાળકોના શારીરિક વિકાસ માટે ખાસ પૌષ્ટિક માનવામાં આવી છે.

યકૃત પ્લીહાને સક્રિય કરવાનો એનો ગુણ હોવાથી સમગ્ર શરીરમાં લોહીનું પરિભ્રમણ સમ્યક્ બનાવે છે અને પરિણામે પાંડુ, કમળો, સોજા, પેટના મોટાભાગના રોગો દૂર થાય છે. લોહભસ્મ કરતાં મંડૂરભસ્મ પચવામાં પણ હળવી પડે છે.અતિવિષ તો બાળકોનું ઉત્તમ ઔષધ છે જ. એને આયુર્વેદની પરિભાષામાં ‘શિશુ ભેષજ’ પણ કહેવામાં આવે છે. તે અગ્નિને પ્રદીપ્ત કરી પાચન સુધારનાર, આંતરડા અને ગ્રહણીના દોષોને દૂર કરનાર, આમ પાચક અને ઝાડા થતાં હોય તેને રોકનાર છે.

બાળકને અપચાના કારણે વારંવાર ઊલટી થતી હોય, (લોક ભાષામાં કહીએ તો બાળક ‘ભળતું હોય’), અવાર નવાર તાવ આવતો હોય, કરમિયા થતા હોય કે શરદી, ખાંસી યા કફની તકલીફ હોય તો તેમાં અતિવિષ અત્યન્ત ઉપયોગી છે. આ રીતે સંશમનીના ત્રણે ત્રણ નંબરમાં અતિવિષ અત્યન્ત ઉપયોગી છે અને તે કારણે જ બધા બાળ રોગોનું એ અક્સીર ઔષધ છે.નંબર ત્રણમાં ગળોઘન અને અતિવિષ તો છે જ. પરંતુ મંડૂર કે લોહભસ્મ નથી. નવા ઔષધ રૂપે તેમાં ઈન્દ્રયવ અને સિંધાલૂણનો ઉમેરો થયેલ છે. તેથી તે ઝાડા, અપચો, અરુચિ, તાવ વગેરે રોગોમાં ખાસ કરીને બાળકો તેમજ વૃદ્ધોના વિવિધ રોગોમાં ઉપયોગી છે.

સંશમનીમાં સૌથી અગત્યનું દ્રવ્ય મળે છે અને તેનું પ્રમાણ પણ બીજા દ્રવ્યો કરતાં વધારે (સોળ ભાગ) છે. આયુર્વેદની દ્રષ્ટિએ ગળો એ વાયુ, પિત્ત, કફ એમ ત્રણે ત્રણ દોષોનું શમન કરનારી રસાયન અને ‘વય:સ્થાપન’ એટલે કે અકાળે આવતા વૃદ્ધત્વને રોકનારી છે. તેના નિયમિત સેવનથી તરસ, તાવ, ગરમી, દાહ, ચામડીના રોગો, પ્રમેહ, પાંડુ, કમળો, શ્વેતપ્રદર, કૃમિ અને ક્ષય જેવા રોગોનો નાશ થાય છે. વળી તે હળવી, પાચન સુધારનારી અને બળવર્ધક છે.

એજ રીતે ઈન્દ્રયવ ઝાડા, મરડો, પેટનો દુખાવો, કૃમિ અને તાવ જેવા રોગોને દૂર કરનાર, પાચનશક્તિ વર્ધક અને ત્રિદોષ શામક છે. પીપર પણ જઠરાગ્નિ પ્રદીપક, રસાયન અને વાયુ તથા કફનું શમન કરનાર છે. તે શ્વાસ, ખાંસી, કફ, મંદાગ્નિ, તાવ તેમજ ક્ષય રોગમાં પણ સારું પરિણામ આપે છે.

સંશમની નંબર એકમાં આવતી લોહ ભસ્મ યકૃત-પ્લીહા વૃદ્ધિ, સોજા, કમળો, પાંડુ, લોહીની અલ્પતા અને રક્ત દોષને દૂર કરે છે. વળી તે પૌષ્ટિક, શક્તિપ્રદ અને રસાયન છે. આમ આ બધા ગુણકારી દ્રવ્યોના સંયોજનથી તૈયાર થતા સંશમની એક ઉત્તમ ઔષધિ છે. મોટા ભાગના તમામ રોગોમાં વાપરી શકાય છે અને એકદમ નિર્દોષ છે.

ખાસ કરીને વારંવાર ઉથલા મારતો જૂનો તાવ હોય, શરીરમાં કાયમ કળતર રહેતી હોય તેમના માટે તો આશીર્વાદરૂપ ઔષધ છે. બાળકો માટે આપવાની હોય ત્યારે સંશમની નંબર બે અથવા ત્રણ વાપરવી હિતાવહ છે. વૃદ્ધોના રોગોમાં પણ નંબર ત્રણ આપવાથી વધુ ફાયદો થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here